મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહીં,
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં.
આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં,
ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં.
એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી,
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં.
આંખડી ભોળી, વદન ભોળુ, અદાઓ ભોળી,
પ્રાણ એ રૂપ હરી જાય તો કહેવાય નહીં.
કંઇ મજા મીઠી તડપવામાં મળે છે એને,
દીલ વ્યથા વેરે વરી જાય તો કહેવાય નહીં.
આંખનો દોષ ગણે છે બધા દીલ ને બદ્લે,
ચોર નિર્દોષ ઠરી જાય તો કહેવાય નહીં.
શોકનો માર્યો તો મરશે નહીં તમારો આ “ઘાયલ”,
ખુશીનો માર્યો મરી જાય તો કહેવાય નહીં...
No comments:
Post a Comment